શહેરના ખોખરા વિસ્તારમાં આવેલા અનુપમ સિનેમા પાસેના શરણમ-૫ નામના એપાર્ટમેન્ટમાં આજે બપોરે આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થવાની આશંકા છે.
મળતી માહિતી મુજબ, ખોખરા વિસ્તારમાં શરણમ-૫માં ચોથા માળે ૪૦૧ નંબરની દુકાનમાં જીન્સના વર્કશોપમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ તાત્કાલિક પહોંચી ગઈ હતી, અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જો કે, આગની તીવ્રતા જોતા વધુ ગાડીઓની મદદ લેવામાં આવી હતી. આખરે ૭ ગજરાજ સહિત 21થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ અને ૫૦ જેટલા જવાનોએ બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.